વર્ષ 2021માં આ કંપનીઓ બહાર પાડશે નવા IPO, જલદી જાણીલો તો ફાયદામાં રહેશો

જ્યાં કોરોના કાળમાં વર્ષ 2020માં ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા હતા, એવા સમયમાં પણ IPOએ લોકોને સારો એવો નફો કમાવી આપ્યો હતો. ત્યારે ફરી એકવાર નવા વર્ષમાં કંપનીઓ પોતાના IPO બહાર પાડવાની તૈયારીઓ કરી રહી છે. તમારે બસ સમય સુચકતા દાખવીને તક ઝડપી લેવાની છે. જાણો કઈ કંપનીઓ આ વર્ષે  IPO બહાર પાડવાની છે.

વર્ષ 2021માં આ કંપનીઓ બહાર પાડશે નવા IPO, જલદી જાણીલો તો ફાયદામાં રહેશો

વિરલ પટેલ, અમદાવાદઃ ગુજરાતીઓનું મગજ જ્યા વેપાર હોય હરણની ગતિએ દોડતું હોય છે.ભારતીય શેરબજારમાં રોકાણ કરવામાં ગુજરાતીઓ પહેલેથી આગળ પડતા રહ્યા છે. વર્ષ 2020માં શેરમાર્કેટમાં તો ઉઠલપાઠલ જોવા મળી હતી પરંતું ખાનગી કંપનીઓના IPO માટે આ વર્ષ ઘણુ શાનદાર રહ્યુ હતું. વર્ષ 2020માં 15 કંપનીઓના IPO રજૂ થયા હતા જેમા 60 ટકાથી વધુ કંપનીઓનું લિસ્ટિંગ પ્રિમિયમ પર થયું જેમાં રોકાણકારોને ઈશ્યૂમાં 200 ટકા સુધી રિટર્ન મળ્યું. નવા વર્ષમાં અહીં કેટલીક કંપનીઓ છે જે તેમના IPO બહાર પાડશે.


IPO બહાર પાડવાથી કેમ થયો ફાયદો?
માર્કેટિંગ નિષ્ણાંતોના મતે લૉકડાઉન બાદ અર્થવ્યવસ્થાની ગાડી ધીમે ધીમે પાટા પર આવવા લાગી. તો બીજીતરફ રેટિંગ એજન્સીઓએ પણ ભારતના અર્થવ્યવસ્થા પર સારી રિકવરીનું અનુમાન કર્યુ હતું. કંપનીઓ બજારમાં જોવા મળેલી તેજીનો ફાયદો ઉઠાવવા માગે છે. એટલે જ તો અગાઉના મહિનાઓમાં જ IPO માર્કેટને જબરદસ્ત રિસપોન્સ મળ્યો.

વર્ષ 2021માં એક ડઝનથી વધુ કંપનીઓ બહાર પાડશે IPO
વર્ષ 2021માં એક કે બે નહીં પરંતું એક ડઝનથી વધુ કંપનીઓ IPO બહાર પાડવા જઈ રહી છે. આમાંથી મોટાભાગની કંપનીઓને માર્કેટ રેગ્યુલેટની મંજૂરી મળી ચૂકી છે. જે કંપનીઓ IPO બહાર પાડવા જઈ રહી છે તેના પર નજર નાખીએ તો LIC, ઈન્ડિગો પેઈન્ટસ, RAILTEL, કલ્યાણ જ્વેલર્સ, ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન(IRFC), બજાજ એનર્જી, સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેન્ક, ESAF સ્મોલ ફાઈનાન્સ બેન્ક સહિતની કંપનીઓ IPO બહાર પાડશે.


રોકાણકારો માટે ખરેખર ફાયદાકારક સાબિત થશે તેવા IPO બહાર પાડનારી કંપનીઓ વિશે જાણીએ

INDIGO PAINTS
ઈન્ડિગો પેઈન્ટસ 1 હજાર કરોડના IPO ઈશ્યૂ કરશે. સિકોયા કેપિટલના સહયોગ વાળી ઈન્ડિગો પેઈન્ટ્સને IPO માટે SEBIએ મંજૂરી આપી દીધી છે. આધિકારીક જાણકારી મુજબ IPO અંતર્ગત 300 કરોડ રૂપિયાના નવા શેર ઈશ્યૂ કરવામાં આવશે. તો ઓફર ફોર સેલના માધ્યમથી 58 લાખના શેર ઈશ્યૂ કરવામાં આવશે.  

INDIAN RAILWAY FINANCE CORPORATION(IRFC)
ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન 4 હજાર 600 કરોડના IPO ઈશ્યૂ કરશે. શરૂઆતના મહિનાઓમાં જ IRFC ઈશ્યૂ બહાર પાડી શકે છે.  IRFC જાહેર ક્ષેત્રની પ્રથમ નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની છે જેનો આ પ્રથમ IPO હશે. IRFC 118 કરોડથી વધુન નવા શેર જાહેર કરશે જેમાં સરકાર અંદાજે 60 કરોડની કિંમતના શેર વેચાણમાં મૂકશે

KALYAN JWELLERS
કલ્યાણ જ્વેલર્સ ભારતમાં પ્રતિષ્ઠિત નામ ધરાવે છે ત્યારે હવે કલ્યાણ જ્વેલર્સ પણ IPO ઈશ્યૂ કરશે. કલ્યાણ જ્વેલર્સને SEBIની મંજૂરી મળી છે. 1,750 કરોડના ફંડ માટે કલ્યાણ જ્વેલર્સ 1 હજાર કરોડ ઈક્વિટી શેરથી અને વર્તમાન શેરોના વેચાણ મારફતે 750 કરોડ રૂપિયા એકત્ર કરશે. મૂડી રોકાણકારો માટે કલ્યાણ જ્વેલર્સનો IPO પણ સારો વિકલ્પ બનશે

RAILTEL LIMITED
આગામી દિવસોમાં RAILTEL LTD. કંપની 700 કરોડના ઈશ્યૂ બહાર પાડશે. SEBIએ RAILTEL LTD.ને ઈશ્યૂ માટે મંજૂરી આપી દીધી છે. સરકાર કંપનીની 8.66 ટકા ભાગીદારી વેચશે. IRCTCની શાનદાર શરૂઆત બાદ હવે રેલવેની પેટાકંપની RAILTEL પણ સારી શરૂઆત કરે તેવું મનાઈ રહ્યુ છે. RAILTEL ઈશ્યૂ બહાર પાડીને 700 કરોડનો IPO એકત્ર કરી શકે છે.

LIC
વર્ષ 2021માં સૌથી મોટી LICના  IPO બહાર પડી શકે છે. LICના IPO બહાર આવે તેની લાંબા સમયથી કવાયત ચાલી રહી છે. દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે LICમાં પોતાનો ભાગ વેચતા પહેલા સરકારે અન્ય કંપનીઓ પાસેથી પણ આવેદન મંગાવ્યા છે. સરકાર LICમાં પોતાનો ભાગ વેચીને તેને શેરમાર્કેટમાં લિસ્ટ કરવા માગે છે. આ માટે SBI CAPITALને સલાહકાર તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. LICના IPO બહાર ક્યારે પડે છે તેના પર માર્કેટ સાથે જોડાયેલા લોકોની નજર રહેશે

BAJAJ ENERGY
વર્ષ 2021માં બજાજ એનર્જી 5,450 કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્ય ધરાવે છે. બજાજ એનર્જીને ગત વર્ષે જ SEBIએ મંજૂરી આપી હતી. માર્કેટ નિષ્ણાંતોના મતે કંપની નવા IPO અંતર્ગત 5,150 કરોડના નવા શેર જાહેર કરશે. કંપની તેના હાલના બજાર પાવર વેન્ચર્સના પોતાની ભાગીદારીના 300 કરોડ રૂપિયાના શેર વેચાણ માટે મૂકી શકે છે.

સ્મોલ ફાઈનાન્સ બેન્ક
સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેન્ક 400 કરોડ, નજારા ટેકનોલોજી 900 થી 1 હજાર કરોડના IPO લાવી શકે છે. તો ESAF સ્મોલ ફાઈનાન્સ બેન્ક 1 હજાર કરોડના IPO લાવી શકે છે. બ્રોકફિલ્ડ ઈન્ડિયા રિઅલ એસ્ટેટ ટ્રસ્ટ 4 હજારથી 4,500 કરોડ રૂપિયા સુધીના IPO ઈશ્યૂ કરી શકે છે. હાલ ESAF સ્મોલ ફાઈનાન્સ બેન્ક 16 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં છે. હોમ ફર્સ્ટ ફાઈનાન્સ કંપની પણ 1,500 કરોડનો IPO ઈશ્યૂ કરી શકે છે.

વર્ષ 2020માં આ IPO થયા હતા ઈશ્યૂ
વર્ષ 2020માં SBI કાર્જ, રોસારી બાયોટેક, રૂટ મોબાઈલ, કેમકોન સ્પેશિયાલિટી, એન્જલ બ્રોકિંગ, UTI AMC, ઈક્વીટોસ બેન્ક, ગ્લેડફાર્માના IPO બહાર આવ્યા હતા. વર્ષના અંતમાં બર્ગરકિંગ અને મિસ્ટર બેકટર્સ ફૂડ અને એન્ટોની વેસ્ટના IPO સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news